સમગ્ર વિશ્વમાં ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં માતાજીની આરાધના ગરબા રમીને કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા છે અને સહુ કોઈને તેનુ આકર્ષણ રહે છે. ગરબાના પણ અનેક પ્રકારો હોય છે. જેમકે તલવાર રાસ, મશાલ રાસ, અંગારા રાસ. શહેર અને કોમ્યુનિટી પ્રમાણે લોકો અલગ અલગ ગરબા રમી નવરાત્રિ દરમિયાન માતાની ભક્તિ કરે છે. ત્યારે ગુજરાતના જામનગરમાં છેલ્લા 73 વર્ષથી એક અંગારા રાસની એક અનોખી પરંપરા ચાલી આવે છે. જેમા યુવકો અંગારા પર ચાલીને રાસ રમે છે. આ ગરબાની ખાસિયત એ છે કે વર્ષોથી આ પ્રકારે અંગારા પર ખુલ્લા પગે યુવાનો રાસ રમે છે પરંતુ આજ દિન સુધી એકપણ યુવકને પગમાં નાની-સરખી પણ ઈજા આવી હોય તેવુ ધ્યાનમાં નથી. જો કે આ અંગારા રાસની પ્રસ્તુતિ માટે નવરાત્રિ શરૂ થાય એ પહેલા જ પ્રેકટિસ શરૂ કરી દેવામાં આવે છે. સાથે જ આ ગરબા મંડળની વિશેષતા એ છે કે કલાકારો હાથમાં તલવાર લઈને ગરબા રમે છે. આ અનોખી પરંપરાને જોવા માટે ન માત્ર જામનગર જિલ્લાના પરંતુ દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે.
જામનગરમાં છેલ્લા અનેક દાયકાઓથી પટેલ ગરબી મંડળ દ્વારા રમાતો મશાલ રાસ, અંગારા રાસ અને તલવાર રાસ આકર્ષણ બની રહે છે. ચારે તરફ અગ્નિ અને સળગતા અંગારા વચ્ચે ખેલૈયાઓ મન મુકીને માની આરાધના કરતા જોવા મળે છે ત્યારે આ માની ભક્તિની શક્તિ પણ એવી છે કે તેમને કંઈ જ થતુ નથી. આદ્યશક્તિની આ પ્રકારની આરાધના જોનારા સહુ કોઈ મંત્રમુગ્ધ થયા વિના રહેતા નથી. ગુજરાતની ધરતીની આ જ તો વિશેષતા છે કે અહીં માની ભક્તિના પણ અનોખા રંગ જોવા મળે છે.