Breaking News: દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગના દરોડા, 324 કિલો ભેળસેળયુક્ત ઘી અને 12 કિલો વાસી મીઠાઈ ઝડપાઈ
જામનગરના ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજાર પાછળ આવેલા ગોડાઉનમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કાશ ટ્રેડર્સના ગોડાઉનમાંથી 324 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે ઘી સહિત કુલ રૂ.1.13 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને વાસી મીઠાઈના વેચાણ સામે તપાસ અભિયાન તેજ કર્યું છે. ફૂડ વિભાગની બે અલગ-અલગ ટીમોએ શહેરમાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. જેમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી સહિત કુલ રૂ.1.13 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી 12 કિલો વાસી મીઠાઈ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
324 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો
જામનગરના ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજાર પાછળ આવેલા ગોડાઉનમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કાશ ટ્રેડર્સના ગોડાઉનમાંથી 324 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે ઘી સહિત કુલ રૂ.1.13 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા વનસ્પતિ ઓઈલ, પામ ઓઈલ તેમજ કલર અને ફ્લેવરના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ તપાસ
બીજી તરફ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. જેમાં ખેતેશ્વર સ્વીટમાંથી 10 કિલો વાસી મીઠાઈ મળી આવી હતી. જ્યારે ધનલક્ષ્મી ફરસાણમાંથી પણ 2 કિલો વાસી મીઠાઈ મળી આવી હતી. આમ, બંને દુકાનોમાંથી કુલ 12 કિલો વાસી મીઠાઈ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
8 વાનગીઓના નમૂના લઈ તપાસ માટે મોકલાયા
ફૂડ વિભાગની ટીમે તપાસ દરમિયાન ગાંઠિયા, ગુલાબ બરફી, થાબડી પેંડા સહિત કુલ 8 વાનગીઓના નમૂના લીધા છે. આ નમૂનાઓની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરવામાં આવશે. દિવાળી દરમિયાન મીઠાઈ અને ફરસાણની માંગ વધતી હોવાથી ભેળસેળ કે વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે મનપાના ફૂડ વિભાગે બે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય અને નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો- દિવાળી-છઠ્ઠ પૂજાએ અમદાવાદથી બિહાર માટે દોડશે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન, કન્ફર્મ ટિકિટની ચિંતા નહીં!
