જામનગરના બેડી વિસ્તારમાં નળમાં ગટર જેવી દુર્ગંધ મારતું આવે છે પાણી, જુઓ સ્થાનિકોની હાલાકીનો Video

|

May 30, 2023 | 8:32 PM

ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. જામનગરમાં પણ આવી જ સ્થિતિ છે જ્યાં કેટલાક ઘરમાં નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી. તો કેટલાક ઘરોમાં ગટરનું દુર્ગંધ મારતુ પાણી મહિલાઓની મુશ્કેલી વધારી રહ્યું છે.

Jamnagar: સરકારની યોજના છે કે દરેક ઘરમાં નળ પહોંચે પરંતુ પરિસ્થિતિ એવી છે કે ઘરોમાં નળ તો છે પરંતુ આ નળમાં નથી આવતું જળ. આવી સ્થિતિ જામનગરના બેડી વિસ્તારની છે. જ્યાં પીવાના પાણી માટે મહિલાઓને દરરોજ સવારે પગપાળા યાત્રા કરવાનો વારો આવે છે. પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ પાછલા કેટલાય સમયથી બેડી વિસ્તારમાં પાણીનો સૌથી વિકટ પ્રશ્ન સર્જાયો છે. કેટલાક ઘરમાં નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી. તો કેટલાક ઘરોમાં ગટરનું દુર્ગંધ મારતુ પાણી મહિલાઓની મુશ્કેલી વધારી રહ્યું છે. મહિલાઓની ફરિયાદ છે કે અનેકવાર રજૂઆત કરી હોવાછતાં પીવાના પાણીની સુવિધા આપવામાં તંત્ર નપાણીયુ સાબિત થયું છે. સ્થાનિક કાઉન્સિલર પણ સમગ્ર મુદ્દે દોષનો ટોપલો અધિકારીઓ અને શાસકો પર ઢોળી રહ્યાછે. કોર્પોરેટરનો દાવો છે કે 2 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, પરંતુ શાસકો પાણીના પ્રશ્નના ઉકેલમાં નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો : પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને કરાયા આજીવન સસ્પેન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી કાર્યવાહી

આ પરિસ્થિતિને લઈ  TV9ની ટીમે જ્યારે પાણી શાખાના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેઓએ એ જ સરકારી જવાબ આપ્યો કે થોડા દિવસમાં પાણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે. અધિકારીનો દાવો છે કે પાણીની લાઇન નાખવાનું કામ ચાલુ હોવાથી મુશ્કેલી આવી રહી છે અને થોડા દિવસમાં આ પ્રશ્ન ઉકેલાઇ જશે. જોકે નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યાનો દાવો પણ પાણી વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. મહત્વનુ છે કે અધિકારીઓ ખોટા બણગા ફૂંકવાને બદલે પ્રજાની મુશ્કેલીનો ચિતાર મેળવીને તેના ઉકેલ માટે પ્રયાસો કરે તે જરૂરી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video