સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી: રોશનીથી ઝળહળી ઊઠ્યું વીરપુર ધામ, 300થી વધુ સ્વયંસેવકો ખડેપગે
16 નવેમ્બરે પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે વીરપુર ધામને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. લાખો ભક્તોની સુવિધા માટે 15 ગામોના 300થી વધુ સ્વયંસેવકો તૈનાત રહેશે અને શોભાયાત્રામાં 226 કિલો બુંદીનો પ્રસાદ વહેંચાશે.
“જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો”ના જીવનમંત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિની 16 નવેમ્બરના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરને લઈને યાત્રાધામ વીરપુરમાં સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો દ્વારા સમગ્ર ગામને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે.
જન્મજયંતિ નિમિત્તે દર્શનાર્થે ઉમટનાર લાખો ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર, ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્ર ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સેવાયજ્ઞમાં વીરપુર સહિત આસપાસના 15 ગામોના 300થી વધુ સેવાભાવી સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવશે. જયંતિના દિવસે બાપાના જીવન ચરિત્રને દર્શાવતી ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ભક્તોને 226 કિલો બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે. આમ, વીરપુર ધામ આજે પણ જલારામ બાપાની સેવા અને અન્નદાનની પરંપરાને જીવંત રાખી રહ્યું છે.
