પાલિતાણા અને ઝારખંડ તીર્થસ્થાન બચાવવા જૈન સમાજ મેદાને, અમદાવાદ, મહેસાણા અને જામનગરમાં રેલી યોજી નોંધાવ્યો વિરોધ

|

Dec 23, 2022 | 5:59 PM

Ahmedabad: ઝારખંડમાં આવેલા જૈનોના તીર્થ સ્થળ સંમેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા સામે છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. જેના વિરોધમાં અમદાવાદ, મહેસાણા અને જામનગર સહિતના જિલ્લાઓમાં જૈન સમાજે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.

ઝારખંડમાં આવેલા જૈનોના તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવા સામે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં જૈન સમાજે રેલી કાઢી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકારનાં નિર્ણય સામે જૈન સમાજે વિરોધ કર્યો હતો.‘સંમેત શિખર’ બચાવો અભિયાન અંતર્ગત આ રેલી યોજાઈ હતી. ઉસ્માનપુરાથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.જૈન સમાજનો આક્ષેપ છે કે સંમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાથી ત્યાં વેપાર-ધંધાની સાથે સાથે પ્રવાસીઓ આવશે. જેનાથી દારૂ અને માંસ સહિતની પ્રવૃતિઓ ધમધમશે.

જામનગરના વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી નોંધાવ્યો વિરોધ

આ તરફ પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર ચરણપાદુકાની તોડફોડના વિરોધમાં જામનગરના વેપારીઓએ અડધો દિવસ બંધ પાળ્યો હતો. આ બંધમાં જૈન સમાજે વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મહેસાણાના ઊંઝામાં જૈન સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી

જ્યારે મહેસાણાના ઊંઝામાં જૈન સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. ગીરીરાજ તીર્થ અને સમ્મેત શિખરને બચાવવા માટે જૈન સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ હતી. જેમા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. કુંથુંનાથ જિનાલયથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી.

18 ડિસેમ્બરે પાલિતાણામાં જૈન સમાજના લોકોએ યોજી હતી વિશાળ રેલી

આ તરફ 18 ડિસેમ્બરે પાલીતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શેત્રુંજી પર્વત પર આવેલા નિલંકઠ મંદીરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઇ હતી. ધર્મસભા પુરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો. અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમન્સય ફેલાવનાર તત્વો સામે પગલા ભરવા માગ કરી હતી.

 

Published On - 5:58 pm, Fri, 23 December 22

Next Video