Rain Update : ગુજરાતના જળાશયો છલોછલ ભરાયા, સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.51 મીટરે પહોંચી, નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી 10 મીટર દૂર

| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:55 AM

રાજકોટની (Rajkot) વાત કરીએ તો રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-2 ડેમ અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.

Monsoon 2023 : રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain) પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) તેની સંપૂર્ણ સપાટીથી 10 મીટર જ દૂર છે. રાજકોટની (Rajkot) વાત કરીએ તો રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-2 ડેમ અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Monsoon 2023 : ભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત, 312 રસ્તા ધોવાયા, 6 પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટયા, જૂઓ Video

કરણુકી ડેમના 11 દરવાજા ખોલી દેવાયા

આ તરફ રાજકોટના જસદણમાં આવેલો કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તો ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ગોંડલમાં આવેલો મોતીસર ડેમ ઉભરાયો છે. જેથી પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરાયા છે.

શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો

આ તરફ ભાવનગરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવકને પગલે 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડ્યું હોવાથી 17 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો જૂનાગઢનો ઓઝત વિયર શાપુર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમમાંથી હાલ 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ઘેડપંથકના ગામોને સતર્ક રહેવા જણાવાયું છે.

સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક

આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમમાં પાણીની સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો નોંધાયો છે. ડેમની પાણીની સપાટી હાલ 128.51 મીટર છે.. આ તરફ વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થવાથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમની જળસપાટી હાલ 71.25 ફૂટ પર પહોંચી છે. તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. કેલિયા ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ છલકાતા નિચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો