આમ તો ધૂળેટીને રંગોનું પર્વ માનવામાં આવે છે. લોકો એકબીજા પર કલર, ગુલાલ વગેરે ઉડાડી ઉજવણી કરે છે. પરંતુ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ અનોખી રીતે એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. છેલ્લા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે. જેને લોકો ખાસડા યુદ્ધ તરીકે પણ ઓળખે છે. માન્યતા છે કે, ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે વર્ષોની પરંપરા મુજબ ખાસડા યુદ્ધની ઊજવણી કરવામાં આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે તમામ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂરની વહેંચણી કરે છે.