રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે લમ્પી વાયરસ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર, પશુઓને અપાતા ઈન્જેક્શનમાં ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

|

Aug 01, 2022 | 9:50 PM

Lumpy Virus: લમ્પી વાયરસ મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પશુઓને અપાતી રસીને લઈને સવાલ ઉઠાવ્યા છે અને આ રસીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે.

લમ્પી વાયરસ (Lumpy Virus) મુદ્દે હવે રાજકારણ શરૂ ગયુ છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ (Congress MP) શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)એ પશુઓને અપાતી રસી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે રાજ્યસભામાં ગુજરાતના લમ્પી વાયરસનો મુદ્દો છેડ્યો હતો અને આ વાયરસને કારણે હજારો પશુઓના મોત થયા હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ તેમણે પશુઓને અપાતી રસીને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે અને આ રસીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારની બેદરકારીને કારણે અબોલ પશુઓ મોતને ભેટી રહ્યા છે. પશુઓને અપાતા ઈન્જેક્શનમાં પણ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રસીના બદલે માત્ર પાણી આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ શક્તિસિંહે લગાવ્યો.

ઈન્જેક્શનમાં રસીના બદલે પાણી ભરીને પશુઓને આપવાનો આરોપ

શક્તિસિંહે ભાજપ સરકાર પર ગાયોના નામે મત માગવાનો પ્રહાર કર્યો અને કહ્યું કે ગાયોના નામે મત તો લઈ લીધા, પરંતુ સરકારની બેદરકારીને કારણે ગાયો ટપોટપ મોતને ભેટી રહી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં 20 જિલ્લામાં 54,161 પશુઓ આ વાયરસથી સંક્રમિત થયા છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 1,431 પશુઓના લમ્પી વાયરસને કારણે મોત થયા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા આ વાયરસ વિરોધી રસી પશુઓને આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 પણ શરૂ કરવામાં આવી છે. રોગની સારવાર માટે અને નિયંત્રણ માટે રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે, ત્યારે આ રસીકરણ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે પશુઓને અપાઈ રહેલી રસીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

Next Video