તરણેતરના મેળામાં લજવાઈ સંસ્કૃતિ, ભાતીગળ મેળામાં ભોજપૂરી ડાન્સરને બોલાવી અશ્લિલ ડાન્સ કરાવાયો- Video
સુરેન્દ્રનગરના થાનગઢમાં દર વર્ષે આયોજિત થતા તરણેતરના મેળામાં હુડો રાસ, લોકવાર્તા,દુહા, ભજન, છંદ, મટકીરાસ અને લોકનૃત્ય એ તેની આગવી ઓળખ છે. પરંતુ આ વખતે આ મેળામાં ભોજપુરી ડાન્સરને બોલાવી અશ્લિલ ડાન્સ કરાવી ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિની લાજ લૂંટવાનો પ્રયાસ થયો. .
તરણેતરનો મેળો કે જે તેની ભાતીગળ સંસ્કૃતિ માટે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. આ ભાતીગળ સંસ્કૃતિને ઝાંખી પાડે તેવો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. સ્થળ છે મોતનો કુવો. ચારથી પાંચ યુવતીઓ ઠુમકા લગાવે છે. અને તાનમાં આવેલા લોકો પૈસા ઉડાડે છે. આ દ્રશ્યો કોઇ ખાનગી કાર્યક્રમ કે પ્રસંગના નથી, પરંતુ સુરેન્દ્રનગરના થાનમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળાના છે. કે જ્યાં મેળાની સંસ્કૃતિને અને ગરિમાને લાંછન લગાવતી ઘટના બની.
લોકમેળામાં મોતના કુવામાં આમ તો યુવતો બાઇક કે કાર ચલાવી લોકોનું મનોરંજન કરતી હોય છે પરંતુ તરણેતરના મેળામાં ચારથી પાંચ યુવતીઓ મોતના કુવાના ટિકિટ કાઉન્ટરના સ્ટેજ પર ડાન્સ કરી લોકોનું મનોરંજન કરતી જોવા મળી. યુવતીઓના ઠુમકા જોઈ કેટલાક યુવકો પણ નાચતા અને યુવતીઓ પર પૈસા ઉડાવતા જોવા મળ્યા. મેળામાં યુવતીઓના ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સરકાર એક્શનમાં આવી. પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
સમગ્ર મામલે અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ જણાવ્યું કે અમે આ વીડિયોની ખરાઇ કરી રહ્યા છીએ. મેળામાં આવી કોઇ પ્રવૃતિને મંજૂરી આપવામાં નહોતી આવી. તેમ છતાં જો વીડિયોમાં કોઇ હકીકત જણાશે તો જે પ્લોટમાં આ કૃત્ય થયું છે તે પ્લોટ મેળવનાર સામે કડક કાર્યવાહી કરાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો