અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો બાકી છે. અને સમગ્ર વિશ્વ ભરના કરોડો સનાતનીઓની નજર તેના પર મંડાયેલી છે. આ પળના સાક્ષી બનવા લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં સહુ કોઈ પોતપોતાની રીતે રામના વધામણાને યાદગાર બનાવવા માટે અનોખા આયોજન કરી રહ્યા છે. કોઈ પોતાની કલા દ્વારા રામભક્તિ પ્રદર્શિત કરી રહ્યુ છે તો કોઈ વિશાળ શોભાયાત્રામાં જોડાઈને રામના રંગમાં રંગાઈ રહ્યા છે તો કોઈ યજ્ઞના યજમાન બનીને રામભક્તિ કરી રહ્યા છે.
આ અવસરે વલસાડના તિથલ દરિયા કિનારે પણ દિવાળીની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી. અહીં 51 હજાર 111 દીવડા પ્રગટાવવામાં આવ્યા. સાથે શ્રી રામના નામે વિશાળ રંગોળી પણ બનાવાઇ અને ભવ્ય શ્રી રામની પ્રતિમાનું પૂજન કરાયું. આ સાથે શ્રી રામનું ધનુષ-બાણ અને સાથિયાની આકૃતિમાં પણ દીવડા મુકાયા.
આ દરમિયાન નાણા અને ઉર્જાપ્રધાન કનુ દેસાઇ, ડાંગના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં હિન્દૂ સંગઠનો. તેમજ વલસાડ શહેરના લોકો જોડાયા. હજારો દીવડા પ્રગટતા માહોલ જગમગી ઉઠ્યો અને ચારેય તરફ પ્રકાશ ફેલાયો. સાથે, ફટાકડા ફોડતા આકાશ પણ રંગબેરંગી બન્યું.