Breaking News : જાન્યુઆરીના અંતે પણ ઠંડીનો કહેર! ગુજરાતમાં શીતલહેરનો ડબલ માર

| Updated on: Jan 29, 2026 | 9:56 PM

છેલ્લા 24 કલાકથી રાજ્યમાં શીતલહેર મચાવી રહી છે કહેર.આમ તો આપણા રાજ્યમાં ઠંડી ખુબ જ મોડી આવી.પરંતુ હવે ક્યારે ઠંડીની વિદાય થશે.તેને લઇને અનેક સવાલ છે.સામાન્ય રીતે 14 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે.પરંતુ જાન્યુઆરી મહિનો સમાપ્ત થવા આવ્યો.ઠંડી હજુ પણ મચાવી રહી છે કહેર.

રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉતર-પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થશે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે દિવસ દરમિયાન ગરમી અને સવાર-સાંજ ઠંડી અનુભવાશે, જેને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડાને કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં કડકડતી ઠંડી નોંધાઈ છે. કચ્છના નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન ઘટીને 10.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી અને દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે

મહાનગરોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 14.7 ડિગ્રી અને ભાવનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીની અનુભૂતિ થઈ રહી છે.

હવામાન વિભાગે લોકોને તાપમાનમાં આવનારા ફેરફારને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ બદલાવ જોવા મળી શકે છે.માછીમારો માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.દરિયો ન ખેડવાનું હવામાન વિભાગનું સૂચન છે.પવનની ગતિમાં વધારો થવાથી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.45થી 55 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવવાની શક્યતા છે.ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાવાની સંભાવના છે.

સામાન્ય રીતે ગુજરાતમાંથી 14 જાન્યુઆરી બાદ ઠંડી વિદાય લે છે. અને ગરમીનું ધીમે ધીમે આગમન થાય છે. જો કે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ઠંડી કહેર મચાવી રહી છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆત બાદ ધીમે ધીમે ઠંડીની વિદાય થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 29, 2026 09:52 PM