દહેજ બાયપાસ રોડ પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન, તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ – જુઓ Video
ભરૂચના દહેજ બાયપાસ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મસમોટા ખાડા અને રસ્તો જર્જરિત થવાના કારણે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ માર્ગ વિલાયત, સાયખા અને દહેજ GIDCને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિકોએ રસ્તાની બિસ્માર હાલત અંગે તીવ્ર વિરોધ ઉઠાવ્યો છે. આ રોષને કારણે તંત્ર દ્વારા ખાડા અંગે કામગીરી તો હાથ ધરવામાં આવી પરંતુ તંત્રએ ફરીવાર બુદ્ધિનું પ્રદર્શન કરીને ચાલુ વરસાદે અને પાણી ભરાયેલા ખાડામાં જ કપચી પુરવાનું કામ શરૂ કરી દીધું છે.
ખાડામાં આ પ્રકારે કપચીનું પુરાણ કરવામાં આવતા લોકોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો છે, કારણ કે આ કપચીના કારણે હવે અકસ્માતની ઘટનાઓમાં વધારો થવાની ભીતિ સર્જાઈ છે. આ સાથે જ આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ છે, જેને લઈને હવે કોંગ્રેસ આગેવાનોએ પણ આ સમગ્ર મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
