લોકોને ઘરનું ઘર મળે તે માટે સરકારે આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા છે. લોકોના ઘરના દસ્તાવેજો થઇ ગયા છે. પઝેશન ઓર્ડર પણ આપી દેવાયો છે. છતાં છેલ્લા 8 વર્ષથી લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી નથી. આ વાત છે વડોદરાની, કે જ્યાં મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના ગજગ્રાહને કારણે લોકોના ઘરના સપના પર ગ્રહણ લાગ્યુ છે. શહેરના તાંદલજા મુખ્યમંત્રી EWS આવાસ યોજનાના લાભાર્થીઓને તેમનું ઘર ન મળતા તેમની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો : Vadodara : બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી ઝડપાઇ, વન વિભાગે દરોડા પાડતા કાચબા સહિત 23 દરિયાઈ જીવ મળી આવ્યાં
વર્ષ 2016માં આવાસ યોજના માટે ડ્રો કરવામાં આવ્યો હતો. જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે. છતાં લાભાર્થીઓ આવાસથી વંચિત છે. આવાસોમાં હજુ સુધી વીજ કનેક્શન નથી આવ્યું તો ઘણી કામગીરી હજુ પણ અધૂરી છે. કોર્પોરેશને કોન્ટ્રાક્ટરના બાકી બિલ ચૂકવ્યા ન હોવાથી કોન્ટ્રાક્ટરે કામ અધુરૂ છોડી દીધું છે. ભાડાની ઝંઝટ દૂર કરવા લાભાર્થીઓએ આવાસ યોજનામાં મકાન બુક કરાવ્યું તો તેઓ લોનની ઝંઝટમાં ફસાયા છે. ઘર તો મળ્યું નહી ઉપરથી એક તરફ ભાડું ભરવાનું તો બીજી તરફ લોનનો હપ્તો પણ ભરવો પડે છે.
કોન્ટ્રાક્ટરની દાદાગીરી અને કોર્પોરેશનની નિષ્ક્રિયતાનો ભોગ લાભાર્થીઓ બની રહ્યા છે. 8 વર્ષ બાદ પણ મકાન ન મળતાં લાભાર્થીઓએ કોર્પોરેશનની કચેરીએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું લાભાર્થીઓએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે. મનપા કમિશનરે 15 દિવસમાં સમસ્યાના ઉકેલની હૈયાધારણા આપી છે. પરંતુ જો આવાસ ન મળ્યા તો મોટા પાયે આંદોલનની ચીમકી લાભાર્થીઓએ ઉચ્ચારી છે.
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આવાસ સોંપવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી હોવાનું રટણ કર્યું હતુ. કેટલાક લાભાર્થીઓએ તમામ ડોક્યુમેન્ટ જમા ન કરાવ્યા હોવાથી MGVCL દ્વારા વીજ કનેક્શન આપવામાં વિલંબ થતો હોવાનું ચેરમેનનું કહેવું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…