અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં થયો સ્ફોટક ખુલાસો – જુઓ Video
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને ઓઢવ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં મોટો ખુલાસો બહાર આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવેલી હતી. હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી. મારામારી મુદ્દે રૂડાણીએ લાખાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, લાખાણીનો પુત્ર કિંજલ રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા દેતો નહોતો. બુકિંગ અંગેના નિર્ણય પણ લાખાણીનો પુત્ર કિંજલ લાખાણી જ કરતો હતો. આ વિવાદને લઇને બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી.
આ ઘટનાને લઈને ઓઢવ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ નિકોલ સરદાર ધામ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યાને અંજામ આપ્યું છે. સોપારી લેનાર આરોપી મનસુખ લાખાણીને ત્યાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મનસુખે તેને 50 હજાર રૂપિયા આપી હિંમત રૂડાણીને મારવા માટે સોપારી આપી હતી.
પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે, મૃતક હિંમત રૂડાણીના પુત્ર ધવલ અને મનસુખ લાખાણીના પુત્ર કિંજલે નિકોલ ગંગોત્રી સર્કલ નજીક ત્રણ કરોડ રૂપિયામાં જમીન ખરીદી અને કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું.
જો કે, 50 ટકા ભાગીદારીનો કરાર હોવા છતાં પૈસા અને જમીનના વિવાદને કારણે બંને વચ્ચે તણાવ ઊભો થયો હતો, જેમાં કિંજલ લાખાણી સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હવે આનો ખાર રાખી મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યાની સોપારી આપી હતી.
Input Credit: Mihir Soni & Harin Matravadia
