અમદાવાદ શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. બપોરના સમયે વરસાદે વિરામ લેતા મોટાભાગના વિસ્તારોમાથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. જો કે, સાંજે ફરી શરુ થયેલા સતત ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના નહેરુનગર વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર ધીમી પડી હતી. રોડ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહ્યા હતા.
જળભરાવને કારણે દ્વિચક્રી તેમજ ચારચક્રી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ પણ ખૂબ ધીમી થઈ ગઈ હતી, જેના કારણે રોજિંદા કામકાજ માટે નીકળેલા લોકોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ચોમાસા દરમિયાન જળભરાવની સમસ્યા સામે આવતી હોવા છતાં આ વર્ષે પણ શહેરના અનેક વિસ્તારોમાં સમાન સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાની અસરકારકતા અંગે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.