ભારે વરસાદથી ઘેડ પંથક થયો પાણીમાં ગરકાવ, કેડસમા ભરાયેલા પૂરના પાણીમાંથી નીકળી અંતિમયાત્રા- Video

|

Jul 02, 2024 | 3:06 PM

જુનાગઢ, વિસાવદર, કેશોદ, માણાવદર સહિતના ગામોમાં ભારે ગત ખાબકેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં પાણી ભરાયા છે. સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે. ગામલોકોની સ્થિતિ એટલી કફોડી બની છે કે કેડસમા ભરાયેલા પૂરના પાણીમાંથી અંતિમ યાત્રા લઈ જવાની ફરજ પડી છે.

જુનાગઢ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. ઘેડ પંથકની હાલત એટલી હદે કફોડી થઈ છે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ચારે તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા છે. જ્યા સ્થળ ત્યા જળની સ્થિતિ છે. ઘેડના પીપલાણા ગામમાં કમરસમા પાણી ભરાયેલા છે. ગામનો એકપણ રસ્તો એવો નથી જ્યા પાણી ન ભરાયા હોય. પીપલાણા ગામમાં એક મહિલાનું અવસાન થતા પૂરના પાણી વચ્ચેથી તેની અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી છે. ગામલોકો પૂરના પાણીમાંથી મહિલાની અંતિમ ક્રિયા માટે અર્થી લઈને પસાર થતા જોવા મળ્યા છે. અંતિમ યાત્રા માટે પણ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર ચોમાસાએ ઘેડ પંથકમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદનું પાણી પણ ઘેડમાં જ ઉતરી આવે છે અને ગામલોકોને દર ચોમાસાએ ભારે ખાનાખરાબી અને નુકસાન સહન કરવાનો વારો આવે છે. દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પૂરના પાણીની સમસ્યામાંથી કાયમી નિજાત આપવાની પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે. ગામને જોડતો પૂલ બનાવી એક ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવાવાની રજૂઆત સંસદ સુધી પહોંચી છે પરંતુ આ વોલની મંજૂરી ક્યારે મળે છે તે જોવુ રહ્યુ …

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video