ભુજમાં હમીરસર તળાવ છલકાતા નીરના કરાયા વધામણા, ભુજવાસીઓએ કરી મેઘ ઉત્સવની ઉજવણી

ભુજમાં હમીરસર તળાવ છલકાતા નીરના કરાયા વધામણા, ભુજવાસીઓએ કરી મેઘ ઉત્સવની ઉજવણી

| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:49 PM

Kutch: ભુજમાં હમીરસર તળાવ છલકાતા શહેરના પ્રથમ નાગરિક એવા નગરપાલિકા પ્રમુખે નવા નીરના વધામણા કર્યા હતા. હમીરસર તળાવ છલકાતા શહેરના લોકો મેઘઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા. ભુજવાસીઓ માટે દીવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

પાણી તરસ્યા કચ્છ (Kutch)માં પાણીનું મહત્વ શું છે તે જાણવુ હોય તો હમીરસર તળાવ (Hamirsar Lake)નો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણવી જરૂરી છે. રાજાશાહી સમયના આ તળાવનું મહત્વ વર્ષોથી છે. પરંતુ લોકશાહીમાં પણ આ તળાવ છલકાય ત્યારે જાણે ભુજ માટે દિવાળી હોય તેવો ઉત્સવ મનાવવામાં આવે છે. ગઇકાલે 5 ઇંચ વરસાદ બાદ હમીરસર તળાવ છલકાઇ ગયુ હતુ અને આજે 1953થી શરૂ થયેલી પ્રણાલીકા મુજબ શહેરના પ્રથમ નાગરિક પાલિકા પ્રમુખે તળાવમાં વધામણા કર્યા હતા. જેમાં વિધાનસભા અધ્યક્ષ, કાઉન્સીલર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

કચ્છીઓ ઉજવે છે મેઘ ઉત્સવ

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યુ હતુ કે આવનારા દિવસોની અંદર મેઘ ઉત્સવ, મેઘલાડુ ભુજના શહેરીજનો માટે યોજવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ એક ઐતિહાસિક પળ છે. આજે તમામ શાળા કોલેજ સરકારી કચેરીઓમાં એક દિવસની જાહેર રજા રાખવામાં આવી છે અને સમગ્ર શહેરીજનો જાણે કિલ્લોલ કરતા કાંઠે ઉમટી પડ્યા છે.

તળાવ છલકાતા સરકારી કચેરીઓમાં અને શાળા કોલેજમાં એક દિવસની રજા રાખવાની પરંપરા

આ તળાવ ઉત્સવની વિશેષતા એ છે કે ગુજરાતનુ એકમાત્ર એવુ તળાવ છે. જે છલકાયા બાદ સરકારી તંત્ર દ્રારા ભુજ શહેરની સરકારી કચેરી, સ્કૂલ સહિતના સ્થળોએ સત્તાવાર રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. આજે તળાવ વધામણીના ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તળાવ છલકાઇ જતા ખુશી વ્યક્ત કરી હતી. તળાવ ઉત્સવમાં મેઘલાડુનું જમણ પણ પાલિકા દ્વારા રાખવામાં આવે છે. પાણી તરસ્યા કચ્છમાં પાણીનું ખુબજ મહત્વ છે ત્યારે હમીરસર તળાવ છલકાય ત્યારે તેની ખુશી માત્ર કચ્છ નહીં પરંતુ કચ્છ બહાર વસતા લોકોને પણ હોય છે.

ઈનપુટ ક્રેડિટ- જય દવે- કચ્છ