Gujarati Video: સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નક્લી શેમ્પુનો વેપાર કરતા ત્રણ ઠગબાજની પોલીસે કરી ધરપકડ
Surat: સુરતના ઉતરાણ વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના શેમ્પુના નામે ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વેચાણ કરતા ત્રણ ઠગબાજની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમે બ્રાન્ડેડ શેમ્પુનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. સુરત પોલીસે જાણીતી બ્રાન્ડના નામે નકલી શેમ્પુનો વેપાર કરતા ઠગબાજોનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અસલીના નામે નકલીનો ગોરખધંધો ચલાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા. કંપની સંચાલકોના ધ્યાને મામલે આવતા કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત પોલીસે ઉતરાણ વિસ્તારના શ્રીનાથજી આઇકોનમાં દરોડા પાડ્યા હતા અને કુલ 7 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે નકલી શેમ્પુનો ઉપયોગ વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. પોલીસના દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ શેમ્પુની બોટલોનું પેકિંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને પ્રિન્ટિંગ, સ્ટિકર, બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણેય આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગબદલ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Video : સુરતમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી
મહત્વનું છે કે વધુ કમાવવાની લાલચમાં હેડ એન્ડ શોલ્ડર્સના નામનો ઉપયોગ કરી ઓછા ભાવે શેમ્પુનું વેચાણ કરતા હતા. અમરોલી ખાતે વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુનું કારખાનું બનાવી સ્ટીકર લગાવી ઉતરાણ ખાતે શ્રી નાથજી આઇકોનમાં જી 6 નમ્બરની દુકાનમાં નક્લી શેમ્પુનુ વેચાણ થતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.