Gujarati Video: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધન્વંતરી ઔષધીય ઉદ્યાન માવજતના અભાવે ખંઢેર બન્યુ

|

Feb 10, 2023 | 10:52 PM

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલુ ધન્વંતરી ઔષધીય ઉદ્યાનની હાલત દયનિય બની છે. આ ઉદ્યાન હાલ કોઈ માવજત કરનારુ પણ કોઈ નથી, નક્ષત્રો અને ગ્રહોના નામની લગાવેલી પ્લેટો પણ કોઈ ચોરી ગયુ હોવાનુ સામે આવ્યુ છે.

વૃક્ષ વાવીએ તો તેને ઉછેરવાની જવાબદારી પણ આપણી જ હોય છે. પરંતુ વિવાદોનો પર્યાય બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકોને જ આ વાત શીખવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટીમાં આવેલી અનેક અસ્ક્યામતો જાળવણીના અભાવે વેરાન થઈ ગઈ છે. યુનિવર્સિટીમાં આવેલા ધન્વંતરી ઔષધીય ઉદ્યાનની હાલત પણ દયનીય થઈ ગઈ છે. આ ઉદ્યાનનો પ્રારંભ વર્ષ 2006માં ફાર્મસી ભવનના અધ્યક્ષ ડૉ.નવીન શેઠના પ્રયાસોથી કરાયો હતો.

જેમાં 27 નક્ષત્ર અને 9 ગ્રહોના નામે અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જેમાં પેટમાં દુ:ખાવાથી લઈને કેન્સર સુધીના રોગોના ઈલાજ માટેની ઔષધીઓ ઉપલબ્ધ હતી. તેના પર વિદ્યાર્થીઓ જુદા-જુદા સંશોધનો પણ કરતા હતા પરંતુ તકેદારીના અભાવે આ ઉદ્યાન વેરાન થઈ ગયું છે. જેને લઈ વિદ્યાર્થી નેતાઓએ પણ યુનિવર્સિટીના સત્તાધીશો પર નિશાન સાધ્યું છે.

પહેલા આ ઉદ્યાન કેવું હતું તે પણ જુઓ. કોરોનાની પ્રથમ લહેર આવી તે સમયે લોકો અહીંથી લીમડો અને ગળો લઈ જતા હતા. ઉદ્યાનમાં ઔષધ તરીકે ઉપયોગી અનેક ઝાડ વાવવામાં આવેલા છે. અહીં અર્જુન નામનું ઝાડ છે જેની છાલ હૃદયરોગના દર્દીઓની દવામાં ઉપયોગી બને છે. આવા તો અહીં અનેક વૃક્ષ છે પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ દરકાર ન લેવાના કારણે તે હાલ કોઈ ઉપયોગમાં નથી આવતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેધારી નીતિ, એક જ ગુનામાં સામાન્ય વિદ્યાર્થીને આજીવન પરીક્ષા નહીં આપવાની સજા જયારે ભાજપના નેતાને માત્ર 4 વર્ષનો બેન !

તો બીજીતરફ સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાના કારણે નક્ષત્રો અને ગ્રહોના નામની લોખંડની પ્લેટ પણ ચોરાઈ ગઈ હતી. એટલું જ નહીં પાણીની પાઈપ પણ તૂટી ગઈ હોવાથી તેનું રિંપેરિંગ કામ ચાલુ કરવાનો ફાર્મસી વિભાગનો દાવો છે.

Next Video