સુરતના મોટા વરાછામાં પરિણીતાના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચ્યો છે. પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હોવાની માહિતી મળી છે. ત્યાં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થયું છે. મોત બાદ પરિણીતાના પિતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. સાસરિયા પક્ષ દ્વારા પણ પરિણીતાને પરેશાન કરાતી હોવાનો આક્ષેપ થયો છે. આ સાથે પરિણીતાનો પતિ ઈઝરાયલમાં હીરાનો વેપારી હોવાની માહિતી પણ મળી છે.
આ તરફ સુરતના ઓલપાડના ઉમરા ગામે પણ પરિણિતાએ બદનામીના ડરથી આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકને પોતાનું સ્વમાન અને ઈજ્જત વ્હાલી હોય છે, પરંતુ પોતાના ચારિત્ર્ય પ્રત્યે કોઈ શંકા કરે ત્યારે વ્યક્તિ સહન શક્તિ ગુમાવી બેસે છે. ખાસ કરીને, સ્ત્રીઓ આવી બદનામી સહન નથી કરી શકતી. આવી જ એક ઘટના સામે આવી છે, સુરતના ઓલપાડના ઉમરા ગામે કે જ્યાં સમાજમાં બદનામી થવાના ડરથી એક પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો: વડોદરા-સુરતને સાંકળતા દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વેના 246km ના પ્રથમ તબક્કાનું પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન
સોસાયટીનો જયદિપ કાકડિયા નામનો શખ્સ જુદી જુદી મહિલાઓ સાથે પોતાનું લફરું હોવાની વાતો કરતો હતો અને પરિણીત મહિલા સાથે પણ પોતાના અનૈતિક સંબંધ હોવાની અફવા ફેલાવી હતી. આ વાતને લઈને બદનામીના ડરથી પરિણીતાને માઠું લાગ્યું હતું.
બે વર્ષના બાળક તેમજ પતિને સુતા મુકી બાજૂના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસે આરોપી જયદિપ કાકડિયા નામના શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.