રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. છતા અવારનવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાંથી કથિત ગાંજાનું વાવેતર મળી આવતા શહેરમાં હડકંપ મચ્યો હતો. ત્યારે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી કથિત ગાંજાનો છોડ મળવાના કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે કે, કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે. શૈક્ષણિક ક્ષેત્રે આવી પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી કથિત ગાંજો પકડાતા ચકચાર મચી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી કથિત ગાંજો મળી આવતા પ્રશાસન પર અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી કથિત સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા હતા. જો કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મારવાડી યુનિવર્સિટીમાં પહોંચી હતી.
હાલ પોલીસે NDPSના કેસને લઈને તપાસ શરૂ કરી છે. જો કે બીજી તપાસ થાય તે પહેલા જ આગચંપી કરવામાં આવી હતી. જેથી અનેક સવાલ ઉભા થયા છે કે શું ખરેખર મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. કેમ પોલીસ પહોંચે તે પહેલા ગાંજો સળગાવી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10 હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે.
આ અગાઉ પંચમહાલના મોરવા હડફના તાજપુરી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. ભરત સિંહ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી 39 કિલોના લીલા ગાંજાના છોડ ઝડપાયા હતો. ગોધરા SOGએ બાતમીના આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. રૂપિયા 3.90 લાખની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ગોધરા SOGએ ધરપકડ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:17 pm, Fri, 14 April 23