સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સિંગતેલના ડબાનો ભાવ રૂ.150 વધતા ફરી એકવાર સિંગતેલનો ભાવ રૂ.3 000ને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના નવા ડબાનો ભાવ રૂ.100-150 વધી ગયો છે. જેના લીધે ઘરના બજેટને સેટ કરવામાં મોટો ફરક પડ્યો છે.
આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા જેવા પરિબળોને લીધે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે. જે ગત વર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે.
ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૂ.1 હજાર જેટલો વધુ છે.
એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે ખાસ તો લગ્ન સિઝન દરમિયાન તેલના ભાવમાં વધારો થતા મોંઘવારીમો માર નડી શકે છે. જોકે સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવ સ્થિર છે ત્યારે અચાનક સિંગતેલના ભાવમાં વધારા અંગે વેપારીઓ કહી રહ્યા છે કે અત્યારે પણ યાર્ડમાં મગફળી વેચાઈ રહી છે ત્યારે થોડા સમયમાં ભાવ નીચે આવે તેવી શકયતા છે.