રાજ્યમાં ગાજી રહેલા ડમી કૌભાંડમાં રેન્જ IG ગૌતમ પરમારે સ્પષ્ટતા કરી છે કે યુવરાજ સિંહ જાડેજા પાસે સંડોવણીના કોઈ પુરાવા નથી. રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે નેતાઓની સામેલગીરીના કોઈ પણ પુરાવા ન હોવાનું યુવરાજે નિવેદન આપ્યું છે. યુવરાજે કેટલાક લોકોના કહેવાથી નેતાઓના નામ આપ્યા હતા. તેમજ યુવરાજે જણાવ્યું હતું કે, મને કોઈ ધમકી મળી નથી.
તો બીજી તરફ ડમી કૌભાંડમાં અગાઉ ઝડપાયેલા 4 આરોપીઓના વધુ 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ડમી કાંડમાં ઝડપાયેલા આરોપી શરદ, પ્રકાશ, પ્રદીપ અને બળદેવના અગાઉ મંજુર થયેલા 7 દિવસના રિમાન્ડ આજે પૂરા થતા તેમને વધુ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
રેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે યુવરાજ અને તેના સાથીદારો વિરૂદ્ધ વધુ કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે અને યુવરાજે જે બેઠક કરી હતી તેના CCTV પણ સામે આવ્યા છે.
દરમિયાન ભાવનગર ડમીકાંડના આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મિલન ઘુઘા બારૈયાએ સૌથી વધુ 9 જેટલી પરીક્ષાઓ ડમી ઉમેદવાર તરીકે આવી છે. આ બંને આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા હાલ જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી હતી અને ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…