Gujarati Video: Rajkot: ઉપલેટાના ખેડૂતોને માવઠાએ રડાવ્યા, મગ, અડદ, તલ, જુવાર, બાજરીના પાકને વ્યાપક નુકસાન
Rajkot: ઉપલેટા પંથકના ખેડૂતોની મહેનત પર માવઠાએ પાણી ફેરવ્યુ છે. મોંઘા બિયારણો લાવી ઉનાળુ પાકનું વાવેતર કર્યુ હતુ પરંતુ માવઠાને કારણે ખેડૂતોનો તલ, મગ, અડદ, જુવાર અને બાજરી સહિતના પાકનો સોથ બોલી ગયો છે.
દરેક ઋતુમાં ખેડૂતોને આશા હોય છે કે પાક સારો થાય તો સારું વળતર મળે પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કુદરત એવી રૂઠી છે કે ખેડૂતોના આશારૂપી પાક પર પાણી ફેરવી દે છે. આ વખતે પણ રાજકોટના ઉપલેટા પંથકના ખેડૂતોને સારા ઉનાળુ પાકની આશા હતી પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે ઘાત બનીને આવ્યો.
ખેડૂતોએ આકરો પરિશ્રમ કરી મોંઘા બિયારણ, ડીઝલના ખર્ચા અને ઊંચી મજૂરી ચૂકવીને ઉનાળુ પાક તૈયાર કર્યો હતો, પણ માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઉપલેટામાં ખેડૂતોએ મગ, અડદ, તલ, જુવાર અને બારજીનું મોટાપાયે વાવેતર કર્યું હતું. પાક લણવા માટે તૈયાર હતો. તેવા જ સમયે માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
પાકની સાથે સાથે ખેડૂતોએ પશુઓ માટે તૈયાર કરેલા ઘાસચારાને નુક્સાન થયું છે. જેથી પશુપાલન કરતા ખેડૂતોએ હવે વધારાના રૂપિયા ખર્ચીને ઘાસચારો લાવવો પડશે. આમ ખેડૂતો એક બાદ એક મુશ્કેલીના પહાડ ચઢવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂત આગેવાનોએ માગ કરી છે કે તાત્કાલિક પાક નુક્સાનીનો સરવે કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. જેથી ખેડૂત ફરી બેઠો થઈ શકે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…