ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના મતે કચ્છની સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે. ત્યારે આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વાતાવરણ પલટો આવ્યા બાદ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે મહુવાથી બગદાણા જવાનો રોડ પાણી પાણી થઇ ગયો છે. દેગવડા તેમજ અન્ય ગામોમાં વરસાદ ખાબક્યો છે. એક મહિનામાં ત્રીજી વાર બગદાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જો કે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ડુંગળી ચણા તેમજ ઘઉંના પાકને ભારે નુકસાન થયુ છે.
તો અમરેલી જિલ્લામાં રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી સહિત ગામડામાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના આંબરડી ,વીજપડી, ભમર, ખડસલી, છાપરીમાં વરસાદ થયો છે. ધારી ગીર પંથકના ગામડાઓમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. નાગધ્રા, લાખાપાદર, હીરાવા ,જીરા ડાભાળી સહિતના ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે.