રાજકોટના બહુમાળી ચોકમાં રેલવેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની વાલ્વ કીટ ફાટતા અફરાતફરી મચી. આ દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સમાં હાજર બે દર્દી અને તેમના સ્વજનોમાં ભય ફેલાયો. આ બંને દર્દીઓને તાત્કાલિક રીક્ષામાં હોસ્પિટલ ખસેડાયા હતા. ઓક્સિજનની વાલ્વ કીટ ફાટતા એક તરફ દર્દીઓ અને આસપાસના લોકોમાં દહેશત હતી. ત્યાં ડ્રાઈવર અને અન્ય એક કર્મચારી એમ્બ્યુલન્સ છોડીને નાસી ગયા હતા.
આમ તો એમ્બ્યુલન્સ અનેક લોકો માટે સંજીવની સાબિત થઇ છે. કટોકટીની ક્ષણોમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થવાથી કારણે અસંખ્ય લોકોને નવું જીવન મળ્યું છે. પરંતુ છેલ્લા બે દિવસમાં એવી બે ઘટના બની કે જેના કારણે એમ્બ્યુલન્સ ચર્ચામાં રહી. રાજકોટમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની વાલ્વ કીટ લીક થતા દર્દીઓ અને તેના સ્વજનોમાં દહેશત ફેલાઇ.
બપોરના સમયે 1 વાગ્યા આસપાસ રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ બે દર્દીઓને લઈ જઈ રહી હતી. આ દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક પહોંચતા સમયે અચાનક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ લીક થયો હતો. જેના કારણે દર્દીઓ અને તેમના સબંધીઓ સ્તબ્ધ બની ગયા હતા. જોકે, સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે દર્દીને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ