Gujarati Video: મહેસાણાનો આંબેડકર બ્રિજ ઉદ્દઘાટનના એક જ વર્ષમાં બન્યો ખખડધજ, બ્રિજના કામમાં ગોબાચારીનો આરોપ
Mehsana: મહેસાણાનો આંબેજડકર બ્રિજ બે-બે વાર ઉદ્દઘાટન બાદ પણ હાલ ખખડધજ બન્યો છે. બ્રિજનું વર્ષ 2017માં ઉદ્ઘાટન કરાયુ હતુ તેના એક જ વર્ષમાં બ્રિજ પરનો રોડ ધોવાઈ જતા સળિયા દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ આ રોડ પર રિસરફેસિંગનું કામ કરાયુ હતુ પરંતુ એક વરસાદ થતા ફરી રોડ ધોવાઈ જાય છે અને રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા પડી જાય છે.
Mehsana: મહેસાણાનો એક એવો બ્રિજ કે જે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક એવો બ્રિજ કે જે ઉદ્ઘાટનના એક જ વર્ષમાં ખખડધજ થઈ ગયો હતો. એક એવો બ્રિજ જેમાંથી પહેલા જ વરસાદમાં દેખાવા લાગ્યા છે સળિયા. મહેસાણાના રામોસણાથી વિસનગર લિંક રોડનો આંબેડકર ઓવરબ્રિજ 2014માં બનાવવામાં આવ્યો હતો અને ફરીથી એનું ઉદ્ઘાટન 2017માં પણ કરવામાં આવ્યું હતુ. પરંતુ બ્રિજ બન્યાને એક જ વર્ષ બાદ વર્ષ 2018માં બ્રિજ પરનો રોડ તૂટી જતા સળિયા દેખાવા લાગ્યા હતા.
દર ચોમાસાએ ધોવાઈ જાય છે રોડ
એવું નથી કે વરસાદ બાદ તૂટેલા રોડને રીપેર નથી કરાયો. વરસાદ બાદ આ રોડને થીગડાં મારી રિપેર પણ કરાય છે. પરંતુ પાછું ફરી વરસાદ થતાની સાથે જ રોડ ધોવાઈ જવાની ફરિયાદો ઉઠે છે. વરસાદમાં રોડ ધોવાઈ જાય છે, મોટા ખાડા પડી જાય છે, રોડના સળિયા બહાર ડોકાવા લાગે છે, રસ્તા પર જાણે કપચી વેરી હોય તેમ નાની કાંકરીઓ રોડ પર પથરાયેલી જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ રસ્તા પર પડેલા ખાડાથી બચવા માટે વાહનચાલકોને સાપ ચાલતો હોય તેમ વાહનો હંકારવા પડે છે. આ હાલત છે બે-બેવાર ઉદ્ઘાટન પામેલા આંબેડકર બ્રિજની. વારંવારની આ મુશ્કેલીથી વાહનચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો: Surat: યુવાનોને નશામુક્ત રાખવા ગણેશોત્સવ દ્વારા જનજાગૃતિ અભિયાન, નાટક ભજી લોકોને કરાઈ રહ્યા છે જાગૃત
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો