વિશ્વ વિખ્યાત અને 51 શક્તિપીઠ પૈકીના આદ્યશક્તિ અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે.હવે આ આંદોલન રાજ્યવ્યાપી બન્યું છે ત્યારે આજે રાજકોટમાં કર્મકાંડી ભૂદેવ સમાજનું એક પ્રતિનિધી મંડળ ચીકીનો પ્રસાદ બંધ કરીને ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. ભુદેવો આવેદન પત્રની સાથે મોહનથાળનો પ્રસાદ અને કંકુ અને ગુલાબના ફુલ પણ સાથે લાવીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.
આ અંગે ભુદેવ કર્મકાંડી બ્રહ્મસમાજના ગોપાલ જાનીએ કહ્યું હતું કે અંબાજી મંદિરમાં વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચાલી રહ્યો છે તેને બદલાવીને ચીકી કરવી તે અયોગ્ય છે.ચીકી કોઇ ફળ નથી કે વાનગી નથી તેથી તે પ્રસાદ તરીકે યોગ્ય નથી,જો સરકાર અને મંદિર ટ્રસ્ટ શનિવાર સુધીમાં ચીકી પ્રસાદ બંધ નહિ કરે તો રાજકોટના કર્મકાંડી ભુદેવો તેના લોહીનો કળશ સરકારને અર્પણ કરીને આંખ ખોલવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો: Rajkot: અખીલ ભારતીય OBC મહાસભાનું મળ્યુ અધિવેશન, રાજ્યભરમાંથી OBC આગેવાનો રહ્યા હાજર
આ અંગે કર્મકાંડી બ્રાહ્મણ ધર્મેશ જોષીએ કહ્યું હતું કે શાસ્ત્રમાં ચીકીનો ઉલ્લેખ ક્યાંય પણ નથી જ્યારે મોહનથાળનો ઉલ્લેખ દેવી ભાગવતમાં કરવામાં આવ્યો છે.મોહનથાળએ એક વાનગી છે જ્યારે ચીકી કોઇ વાનગીમાં પણ નથી આવતું એટલે કે શાસ્ત્ર પ્રમાણે પણ ચીકીનો પ્રસાદ અયોગ્ય છે.મંદિર ટ્રસ્ટે આ અંગે તાત્કાલિક નિર્ણય લઇને ચીકીનો પ્રસાદ દૂર કરીને ફરી મોહનથાળ શરૂ કરવો જોઇએ તેવી માંગ કરી છે.