Gujarati Video: વલસાડમાં કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડતા સિંચાઈ માટેનુ પાણી પ્રદૂષિત થયું, ખેડૂતોમાં રોષ

|

Mar 13, 2023 | 6:37 PM

Valsad: ડુંગરી ગામમાં વેફર બનાવતી એક કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો નહેરના પાણીને સિંચાઈ માટે ઉપયોગમાં લે છે પરંતુ કેમિકલ યુક્ત પાણી નહેરમાં ભળતા પાણી હવે સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.

વલસાડના ડુંગરી ગામના કેરી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તો કમોસમી વરસાદને કારણે આંબા પર આવેલો મોર ખરી પડ્યો છે. ત્યારે બીજી તરફ નહેરમાંથી આવતા પાણીમાં કેમિકલયુક્ત ભળવાને કારણે ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેફર કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડ્યું છે. જે પાણીનો ઉપયોગ તેઓ સિંચાઈ માટે કરી શકે તેમ નથી. આથી ખેડૂતોએ સ્થાનિક તંત્ર અને GPCBને જાણ કરી છે અને નહેરમાં કેમિકલયુક્ત પાણી છોડતી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને GPCBના અધિકારીઓને ઘટનાની ટેલિફોનિક જાણ કરી છે. કંપની દ્વારા વારંવાર આ રીતે પ્રોસેસ કર્યા વિના પાણી છોડવામાં આવ છે. ભૂતકાળમાં પણ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતો ફરિયાદ કરી ચુક્યા છે. પરંતુ કંપની દ્વારા પાણી છોડવાનુ બંધ થયુ નથી.

આ અંગે વહીવટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ પણ આપી હતી. છતા કંપની દ્વારા નહેરમાં પ્રોસેસ કર્યા વિનાનું પાણી જ છોડવામાં આવે છે. જેને લઈને ખાડી કિનારે આવેલી આંબાવાડીઓને ભારે નુકસાન પહોંચે છે. કેમિકલયુક્ત પાણીને કારણે અનાજમાં પણ ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવે છે. વહીવટી તંત્ર દ્વારા કંપની સામે કાયદેસર કાર્યવાહી કરીને બાલાજી કંપનીનું પ્રદુષિત પાણી ખાડીમાં આવતું બંધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Valsad: કપરાડાના શુક્લબારી ગામની શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ મંદિરમાં અભ્યાસ કરવા મજબુર

Next Video