વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરના તાળાવો જળકુંભીથી ઢંકાયેલા જોવા મળે છે. તળાવોમાં પાણીની જગ્યાએ લીલીછમ જળકુંભી જ જોવા મળે છે. વડોદરાના સમા તળાવ, લાલબાગ તળાવ સહિત શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી વધી છે અને સુંદરતા ઘટી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. કોર્પોરેશન દ્વારા જળકુંભીની સફાઈ માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ તો અપાય છે પરંતુ મૂળમાંથી જળકુંભી દૂર કરવામાં આવતી નથી.
આ પણ વાંચો : Vadodara : ભૂ-માફિયાઓની હવે ખેર નથી ! 100 કરોડ જમીન કૌભાંડ કેસમાં કડક પગલા ભરવા મેયર અને MLA એ કરી માગ
તળાવોની ઘટી રહેલી સુંદરતાનો મુદ્દો શાસક પક્ષના જ કોર્પોરેટરોએ સામાન્ય સભામાં ઉઠાવ્યો હતો. તેમ છતાં કોઈ જ પગલાં ન લેવાતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સફાઈના નામે ફાળવાતા રૂપિયા આખરે ક્યાં જાય છે તે સૌથી મોટો સવાલ છે. એક વર્ષ પૂર્વે શાસકો જૈવિક પદ્ધતિથી જળકુંભી દૂર કરવાના દાવા કરતા હતા પરંતુ તે દાવા પણ પોકળ સાબિત થયો છે. લોકો દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. તળાવોમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને રોગચાળો થવાની સંભાવના પણ વધી જાય છે, છતા પણ તળાવો માંથી જળકુંભી હટાવવા માટે કોઈ ઠોસ પગલા લેવામા આવતા નથી.