બનાસકાંઠામાં થરાદ- અમદાવાદ એક્સપ્રેસ વેની સર્વેની કામગીરી બંધ કરવાની માગ સાથે ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે. દિયોદર તાલુકાના સરદારપુરા, જસાલી સહિતનાં ગામોના ખેડૂતો સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતગર્ત સર્વેને બંધ કરવાની માગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે કોઇ પણ જાણ કર્યા વિના ખેતરમાં ઉભા પાકમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. જેને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ઉભા પાકમાં સર્વે બંધ કરવાની અનેક રજૂઆત છતાં કોઇ સાંભળવા તૈયાર ન હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો: Accident Video: બનાસકાંઠાના દાંતીવાડાના વાગરોલ નજીક અકસ્માત, 4 લોકોના મોત
આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ભોરોલ ગામ નજીક આવેલ ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલની મેઢાળા માઈનોર કેનાલમાં 15 ફૂટથી મોટું ગામડું પડતા કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જોકે જીરુ, રાયડા તેમજ એરંડા જેવા તૈયાર પાકોમાં કેનાલનું પાણી ઘૂસી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, આજે કેનાલમાં દરરોજ કરતા વધુ પાણી છોડી દેવાતા ગાબડું પડ્યું હતું. ગાબડું પડ્યા બાદ પણ ત્રણ કલાકથી વધુ સમય સુધી પાણી ચાલુ રહેલા ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે.
Published On - 11:59 pm, Fri, 10 February 23