ગીર સોમનાથના વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની આત્મ હત્યાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ડો. અતુલ ચગના પુત્રએ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ પોલીસને અરજી આપી છે.જેમાં તેમણે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ રાજેશ ચુડાસમા સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે . હિતાર્થ ચગે રાજેશ ચુડાસમાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે સાથે જ ન્યાય તંત્ર અને પોલીસ યોગ્ય ન્યાય આપશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ડો. અતુલ ચગના પુત્રએ અરજીમાં કરેલા દાવા મુજબ, વર્ષ 2008થી તેમના પિતાની રાજેશ ચુડાસમા પાસેથી દોઢ થી પોણા બે કરોડની રકમ લેણી નીકળતી હતી. પરંતુ વારંવાર રૂપિયા માગવા છતાં રાજેશ ચુડાસમા બાકી રકમ પરત ન કરતા હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે.
રાજેશ ચુડાસમા રૂપિયા પરત ન આપવા પડે તે માટે ધમકી આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તપાસ દરમ્યાન કેટલાક કોરા ચેક પણ મળી આવ્યા છે. તો 90 લાખ રૂપિયાનો ચેક પણ રિટર્ન થયો હોવાની વાત સામે આવી છે.
તો બીજી તરફ લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે.તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોઁધતી તે આશ્ચર્યની વાત છે.તો સાથે જ સમગ્ર લોહાણા સમાજ વતિ આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
Published On - 11:24 pm, Sat, 18 February 23