રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને ફરી પડ્યા પર પાટું વાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રવિ પાકમાં રોગચાળો ત્રાટકતા જગતના તાતની હાલત કફોડી બની છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ચર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ચોમાસુ પાક નિષ્ફળ જવાને કારણે પહેલેથી જ આર્થિક ફટકો વેઠી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવની આશાએ વિવિધ રવિ પાકનું વાવેતર કર્યું હતું.
તેના માટે બિયારણ, જંતુનાશક દવાઓ સહિત ઘણો ખર્ચ કર્યો. પરંતુ વાતાવરણમાં વારંવાર થઇ રહેલા ફેરફાર તેમજ છાશવારે ધુમ્મસને કારણે પાકમાં રોગ પેસી ગયો છે. પાક લણવાનો સમય આવ્યો ત્યાં જ રોગચાળો ત્રાટકતા પાકના ઉતારામાં 50 ટકા જેટલી ઘટ પડવાનું ખેડૂતોનું અનુમાન છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકને રોગચાળાથી બચાવવા ભેજયુક્ત વાતાવરણમાં પિયત ટાળવા તથા યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવાની સલાહ આપી છે.
આ તરફ જૂનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામે પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન થયુ છે. 4 ખેડૂતોનો ઉભો પાક સુકાતા આશરે 35 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોને જીરું, ચણાના પાકમાં ભારે નુકસાન થયુ છે. ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી નુકસાન પહોંચાડ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે ખેડૂતે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.