અમદાવાદમાં સોલા BMW હિટ એન્ડ રનની ઘટનાને 3 દિવસ વિતવા છતાં પણ આરોપી સત્યમ શર્મા પોલીસ પકડથી દૂર છે ત્યારે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મદદ કરવા અમદાવાદ પોલીસ કમિશનરે મૌખિક નિર્દેશ આપ્યો છે. પોલીસ આ કેસમાં FSLની પણ મદદ લઇ રહી છે અને આરોપીના મિત્રો અને પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ સાથે આરોપી સત્યમ શર્મા સામે બીજા પણ ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ આરોપી પોતાની કારથી રસ્તા પર ચાલતા દંપતીને અડફેટે લઇને ખેતરમાં કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.
સત્યમે જેમને પોતાની BMW કાર વડે ટક્કર મારી હતી તે દંપતિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દંપતિએ જણાવ્યું કે અમે અમારા દીકરા માટે પિચકારી લેવા નીકળા હતા, ત્યારે એક કારે અમને અડફેટે લીધા હતા. કારની સ્પીડ 170થી 180 જેટલી હતી. ધસમસતા વેગે આવતી કારે અમને બંનેને અડફેટે લીધા અને અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો.
પતિ અમિત સિંઘલ અને પત્ની મેઘા બંનેએ સમગ્ર કેસમાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. દંપતિએ આક્ષેપ કર્યો છે કે સત્યમ પૈસાપાત્ર પરિવારનો પુત્ર હોવાથી પોલીસ તેને પકડતી નથી. પોલીસ નબીરા સત્યમને તાત્કાલિક પકડી તેને કડક સજા કરે તેવી ઇજાગ્રસ્ત દંપતિએ માગ કરી છે.
સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી ગઈ છે. પુરૂપાટ કાર દોડાવવાનો શોખીન સત્યમ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલો છે અને તે કુલ 4 ગુનામાં સંકળાયેલો હોવાનું માલૂમ પડ્યું છે.
દંપતીને ઇજાગ્રસ્ત કરીને ભૂર્ગભમાં ઉતરી ગયેલા સત્યમ શર્મા મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે. સત્યમ શર્મા સામે 16 ડિસેમ્બર 2022ના રોજ મારામારીનો ગુનો નોંધાયો હતો. તેણે એક પાન પાર્લરમાં મારામારી કરીને તોડફોડ કરી હતી.
હિટ એન્ડ રનની ઘટના બાદ સત્યમ સામે અન્ય બે ગુના પણ દાખલ થયા છે. તેની કારમાંથી દારૂ મળી આવતા પ્રોહિબિશન અંગેનો ગુનો પણ નોંધાયો છે અને હવે કારમાંથી છરી મળી આવતા હથિયાર અંગેનો ગુનો પણ નોંધાયો છે. નોંધનીય છે કે સત્યમ શર્મા છેલ્લું લોકેશન સોલા કેનાલ રોડ પર નિલ એપાર્ટમેન્ટ આવે છે.