બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. બિયારણથી લઈને ખાતર સુધી પૈસાનું પાણી અને ત્યાર પછી આ પાક પાછળ પરસેવાનું પાણી કરતા જગતના તાતને પાકનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો છે. બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતો જેઓ હાલ મુશ્કેલીમાં છે. આ મુશ્કેલીનું કારણ છે રાયડાના ઘટેલા ભાવ. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 1 લાખ 75 હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે. પરંતુ થોડા દિવસ અગાઉ થયેલા કમોસમી વરસાદને કારણે રાયડાના પાકને ભારે નુકસાન થયું છે.
મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખ્યા પછી પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભાવની વાત કરીએ તો ગત વર્ષે પ્રતિ મણ રાયડાનો ભાવ 1 હજાર 350થી લઈને 1 હજાર 470 રૂપિયા ભાવ હતો. જ્યારે ચાલુ વર્ષે પ્રતિમણ રાયડાનો ભાવ 970થી લઈને 1 હજાર 50 રૂપિયા મળી રહ્યો છે. એટલે કે ખેડૂતોને પ્રતિમણ અંદાજે 350થી 400 રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Ambaji ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન, તૈયારીઓ આખરી તબક્કામાં
Published On - 8:41 pm, Sat, 11 February 23