Gujarati Video: વડોદરાના માણેજામાં ગાયે અડફેટે લેતા વૃદ્ધાનું મોત, રહી-રહીને જાગ્યુ તંત્ર, ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો
Vadodara: માણેજામાં પંચરત્ન સોસાયટીમાં ગાયે અડફેટે લેતા એક વૃદ્ધાનું મોત થયુ છે. વૃદ્ધાના મોત બાદ સ્થાનિકોના આક્રોષને જોતા તંત્ર રહી રહીને હરકતમાં આવ્યુ અને ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો છે. જેમા 35થી વધુ ઢોરને પકડીને લઈ જવાયા છે.
વડોદરાના જાહેર માર્ગો પર ચાલતા નીકળો તો જરા સંભાળીને નીકળજો. પાલિકાના મોટામોટા બણગા વચ્ચે માણેજા પાસે ગાયની અડફેટે વૃદ્ધાનું દુ:ખદ મોત થયુ છે. ઘટના છે. માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટીની. જ્યાં વૃદ્ધા નિશ્ચિત થઈને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા.ત્યાં અચાનક જ યમદૂત બનીને આવેલી ગાયે હિંસક હુમલો કરી દીધો. ગાયના ટોળાનો હુમલો એટલો તો હિંસક હતો કે નિ:સહાય વૃદ્ધાનો પગ ભાંગી ગયો અને જોત જોતામાં ઘટનાસ્થળ પર જ વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત થઇ ગયું.
ગાયના હિંસક હુમલા વખતે અનેક સ્થાનિકોએ વૃદ્ધાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગાયનો હુમલો એટલો ખતરનાક હતો કે સ્થાનિકો પણ નિ:સહાય જોવા મળ્યા. સ્થાનિકોએ દૂરથી પથ્થરના ઘા કરીને વૃદ્ધાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ કમનસિબ વૃદ્ધાને બચાવી ન શક્યા.આ ઘટના ઘટ્યા બાદ સ્થાનિકોએ પણ અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડો ધમધમી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી અગાઉ પણ અનેક સ્થાનિકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Vadodara: પાદરાના ડભાસાના ખેડૂતોએ સોલર સબસીડી આપવા મુદ્દે કરી રજૂઆત
વૃદ્ધાનું મોત અને સ્થાનિકોનો આક્રોશ જોતા મોડે મોડે પણ તંત્ર હરકતમાં આવ્યું અને ગેરકાયદે ઢોરવાડો તોડી નાખ્યો. સાથે જ 35થી વધુ રખડતા પશુને પકડી પાડ્યા. ધારાસભ્ય કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. ઢોર માલિક વિરૂદ્ધ કોર્પોરેશન અને પોલીસ સ્તરે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે અને ઘટનાસ્થળની આસપાસના તમામ ગેરકાયદે ઢોરવાડા દૂર કરવા પણ જણાવાયું છે. ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે.