રાજ્યમાં આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તલાટીની પરીક્ષાને ધ્યાને રાખીને રાજકોટ એસટી વિભાગે 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટની વાત કરીએ તો અહીં 200 કેન્દ્રો પર 55 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં આપવામાં આવ્યા છે, તેવા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર પણ બસો દોડાવવામાં આવશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ગુજરાતમાં યોજાનાર છે. ઉમેદવારોના કોલ લેટર સાથે વીડિઓગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. પોલીસ અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં સતત નજર રાખશે. ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે…ગેરરીતિ અંગે ઉમેદવારો 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…