Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાને (Monsoon ) લઇને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકોને હવે ચોમાસાની રાહ નહીં જોવી પડે. 27-28 જૂનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. ખાનગી સંસ્થાની આગાહી મુજબ આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ છે. જેને કારણે વરસાદ (Rain) પડી શકે છે.
આ પણ વાંચો- ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ-જુઓ Video
આજે ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર વરસાદ પણ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 28 તારીખે ભારે વરસાદ પડવાની શકયતા છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
જૂનમાં દેશમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે. સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસાનું આગમન થતુ હોય છે પરંતુ આ વખતે આઠ દિવસ મોડુ એટલે કે આઠ જૂને ચોમાસાની એન્ટ્રી થઈ છે. તો બીજીબાજુ ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને કારણે પણ ચોમાસામાં વિલંબ થયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ગરમીએ કેર વર્તાવ્યો છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યુ છે.
વેધર એજન્સી સ્કાયમેટે આગાહી કરી કે 26 થી 27 જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે અને રાજ્યના દરિયાકાંઠે ભારે વરસાદ થઈ શકે છે.દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ હજુ ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક રાહતના સમાચાર મળ્યા છે કે ચોમાસાની મજબૂતી માટે પરિસ્થિતિ સાનુકુળ બની રહી છે. ચાલુ અઠવાડિયાના અંત સુધીમાં ચોમાસુ દેશના મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભાગોમાં ખુબ ઝડપથી આગળ વધશે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દેશમાં અટવાયેલુ ચોમાસુ આગામી ત્રણથી ચાર દિવસોમાં ગતિ પકડવાની સંભાવના છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો