Gujarat Video: પાકિસ્તાનની જેલમાં કેદ 666 માછીમારોના પરિવારોની સ્થિતિ બની કફોડી, પાંચ વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પાછા ન આવતા ખુટી રહી છે ધીરજ
Gir Somnath: પાંચ પાંચ વર્ષ વીત્યા બાદ પણ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી માછીમારોને મુક્ત ન કરાતા હવે પરિવારોની ધીરજ ખુટી રહી છે. તેમના સ્વજનો જીવિત છે કે નહીં તેને લઈને પણ હવે તેઓ હિંમત ખોઈ રહ્યા છે. આ અંગે અનેકવાર તેઓ સરકારને રજૂઆત કરી ચુક્યા છે કે પાકિસ્તાને બંધક બનાવેલા તેમના સ્વજનોને પાછા લાવવામાં મદદ કરે.
દરિયો ખેડનારા માછીમારો સાહસિક હોય છે સાથોસાથ તેમનુ મનોબળ પણ મક્કમ હોય છે. ગીરસોમનાથના આવા અનેક માછીમાર પરિવારો હાલ દુ:ખી છે. છેલ્લા 5-5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં તેમના સ્વજનો કેદ છે અને અશ્રુભીની આંખો સાથે તેઓ સ્વજનો પાછા આવે તેની રાહ જોઈ રહ્યા છે. દિવસે દિવસે સ્થિતિ વધુ કપરી બની રહી છે. ઘરના મોભી જ ઘરમાં ન હોવાથી ગુજરાન ચલાવવુ મુશ્કેલ બને છે અને આર્થિક સ્થિતિ કંગાળ બને છે. આવા 666 પરિવારો પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનો પાછા આવી તેવી સરકાર પાસે યાચના કરી રહ્યા છે.
પાકિસ્તાનની જેલમાં પાંચ વર્ષથી કેદ છે 666 ગુજરાતી માછીમારો
માછીમાર પરિવારોની સ્થિતિ દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે. તેમને એ પણ ખબર નથી કે પાકિસ્તાનની જેલમાં કેદ તેમનુ સ્વજન કઈ હાલતમાં છે. તે જીવિત છે કે નહીં તે પણ તેઓ જાણતા નથી. તેમની પાસે એકમાત્ર આશા અને ભગવાન પરનો ભરોસો જ જીવિત છે કે એક દિવસ તેમનુ સ્વજન જરૂર પરત આવશે.
આ પીડા માત્ર એક-બે માછી પરિવારની નથી. આ પીડા, આ વિયોગ, આ વેદના 666 પરિવારોની છે. અનેકવાર સરકારોને રજૂઆત કરી કરીને હવે તેઓ થાક્યા છે. તેમના સ્વજનને યાદ કરતા તેમની આંખો ભીની થયા વિના રહેતી નથી. તેઓ બસ એક જ માગ કરી રહ્યા છે કે સરકાર પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનને મુક્ત કરાવે.
આ પણ વાંચો: Gujarat Video : ઈન્ડીયન નેવીનું મધદરિયે દિલધડક બચાવ અભિયાન, માછીમારોનો કબજો મરીન પોલીસને સોંપ્યો
ગીરસોમનાથ જિલ્લાના 400 માછીમારો પાકિસ્તાનમાં કેદ
કુલ 666 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે જેમા 400 જેટલા ગીરસોમનાથ જિલ્લાના છે. ઘરનો મોભી જ પાકિસ્તાનમાં કેદી બની જતા આ લોકોને ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે. આર્થિક રીતે આ પરિવારો ભાંગી પડ્યા છે. સરકાર દ્વારા કેટલાક માછીમાર પરિવારોને સહાય આપવામાં આવે છે. પરંતુ એ સહાયરાશિ એટલી નથી હોતી કે તેમા ગુજરાન ચાલી શકે. મજબુરીમાં અને આર્થિક બદહાલીને કારણે તેમના સંતાનોને ભણવાનુ પણ છોડી દેવુ પડે છે.
ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીર સોમનાથ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…