Gujarat Video: સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા, હજુ પણ પ્રદૂષણ ફેલાવાતા હોવાનું અવલોકન
Ahmedabad: સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. નદીમાં હજુ પણ ગેરકાયદે કનેક્શન પ્રદૂષણ ફેલાવતા હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગેરકાયદે કનેક્શન હજુ પણ નદીમાં પ્રદૂષણ ફેલાવતા હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. જેમાં દાણીલીમડા વિસ્તારની કંપનીઓ ગેરકાયદે જોડાણ કરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો ખૂલાસો થયો છે. ત્યારે આગામી 4 અઠવાડિયામાં કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ અંગે આગામી 17 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે.
આ અગાઉ સાબરમતીમાં પ્રદૂષણ મામલે TV9એ અહેવાલ પ્રસારિત કરતા તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યુ હતુ અને મોડે મોડે જાગેલા મેગા લાઈન અને કોર્પોરેશન હરકતમાં આવ્યા હતા. 17 જેટલા ગેરકાયદે કનેક્શન માત્ર પીપળજમાં જ કાપવામાં આવ્યા છે. સાબરમતીમાં ગેરકાયદે રીતે ટ્રીટ કર્યા વિના જ મેગાલાઇનમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠલવાતુ હતુ, જેથી કનેક્શન કપાયા છે.
જો કે હજુ અનેક એકમોનું ગંદુ પાણી મેગાલાઈનમાં છોડાતું હોવાનું અનુમાન છે. જો કે, મોડે મોડે જાગેલા તંત્ર સામે પણ કાર્યવાહીને લઈને શંકા સેવાઈ રહી છે. મેગા લાઈન વિભાગ માત્ર નજીવા કનેક્શન કાપી કામનો દેખાડો કરતું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોઈ પગલાં લીધા નથી.. ગેરકાયદે પાણી છોડતા 17 એકમો સામે GPCBએ કોઈ કાર્યવાહી કરી નથી.. તેમજ ઔદ્યોગિક એકમોને નોટિસ તેમજ દંડ આપવાની પ્રક્રિયા પણ કરાઈ નથી.