Gujarat Video: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની, સ્કૂલબસનો ઉપયોગ ન કરતા 200 વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવ્યા
Ahmedabad: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શાળા દ્વારા સ્કૂલબસનો ઉપયોગ ન કરતા હોય તેવા 200 વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવી દેવાયા છે. શાળાની મનમાની સામે લાચાર વાલીઓએ DEOને રજૂઆત કરી છે.
અમદાવાદમાં ખાનગી સ્કૂલની મનમાનીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના મનઘડંત નિર્ણયો અને દાદાગીરીને કારણે વાલીઓ પરેશાન થતા રહે છે. અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની સામે આવી છે. આ શાળાના માત્ર નામમાં જ શાંતિ છે. બાકી વાલીઓને માનસિક અને આર્થિક રીતે પરેશાન કરવામાં તેઓ કંઈ બાકી રાખતા નથી. વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ તેમના બાળકોની એલસી આપી દેવાની ધમકી આપી છે કારણ કે તેમના બાળકો શાળાની બસમાં સ્કૂલે નથી આવતા. તેઓ ખાનગી વાહનમાં શાળાએ આવે છે.
જોકે શાળાની આ દાદાગીરીથી રોષે ભરાયેલા વાલીઓએ આજે શાળા પર હલ્લાબોલ કર્યો હતો. વાલીઓના જણાવવા પ્રમાણે 200થી વધુ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવી દેવાયું છે અને વાલીઓને મિટિંગમાં પણ નથી બોલાવાતા કારણ કે આ વાલીઓ પોતાના બાળકોને ખાનગી વાહનમાં મોકલે છે. જે શાળાને પસંદ નથી. આથી આવા સ્કૂલ બસનો ઉપયોગ ન કરતા 200 બાળકોના રિઝલ્ટ અટકાવી દેવાયા છે.
શાળાની મનમાની સામે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ એકત્ર થયા હતા. જોકે તેમને શાળાના સિક્યોરિટી ગાર્ડ દ્વારા અંદર જવા દેવાયા નહીં. વળી શાળાના એક મહિલા કર્મચારી વાલીઓને મળવા બહાર આવ્યા તો તેમણે મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં. તેઓ મોઢુ ફેરવીને દરેક સવાલનો જવાબ આપવાથી ભાગતા જોવા મળ્યા.
આ પણ વાંચો: Ahmedabad ની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
સ્કૂલ બસની ફી 2700 રૂપિયા છે, બીજી તરફ ખાનગી વાહનનો ખર્ચ 1700 રૂપિયા થાય છે. પરંતુ શાળાની ધમકી એવી છે કે વાલીઓ આર્થિક ફટકો ખાઈને પણ સ્કૂલ બસમાં જ બાળકોને મોકલે. જોકે તેઓ લખાણમાં આવો આદેશ નથી કરતા. હવે શાળાનું સત્ર પૂર્ણ થવાનો સમય થયો ત્યારે વાલીઓ પણ અટવાયા છે. જેથી શાળાએ વિરોધ દર્શાવ્યા બાદ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા અને સુપરિન્ટેન્ડેન્ટને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. હાલ તો સુપરિટેન્ડેન્ટ દ્વારા વાલીઓને આશ્વાસન અપાયું છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…