એક દેશ, એક કાયદો… પણ વિરોધ અનેક! ઈદના દિવસે અમદાવાદમાં UCC સામે AIMIM નું શક્તિ પ્રદર્શન
ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત પણ 'એક દેશ, એક કાયદો'ની દિશામાં આગળ વધી રહ્યું છે. 24 માર્ચે વિધાનસભામાં UCC બિલ રજૂ થવાનું છે, પરંતુ તે પહેલા જ અમદાવાદમાં ઇદની નમાજ બાદ AIMIM દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર આગામી 24 માર્ચના રોજ વિધાનસભામાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરવા જઈ રહી છે. આ સાથે જ ગુજરાત, ઉત્તરાખંડ પછી UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનવાની તૈયારીમાં છે. જોકે, આ કાયદો લાગુ થાય તે પહેલા જ રાજ્યમાં વિરોધના સૂર તેજ બન્યા છે.
જામા મસ્જિદ બહાર AIMIM ના દેખાવો
અમદાવાદની ઐતિહાસિક જામા મસ્જિદ બહાર આજે ઈદની નમાજ બાદ AIMIM પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાથમાં ‘UCC હટાવો, દેશ બચાવો’ અને ‘UCC રદ કરો’ જેવા બેનરો અને પ્લે-કાર્ડ્સ સાથે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. AIMIM ના નેતાઓનું કહેવું છે કે આ કાયદો બંધારણની વિરુદ્ધ છે અને તેઓ ગુજરાતમાં તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં. જોકે, પોલીસની પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવા બદલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી.
પક્ષ-વિપક્ષ અને ધાર્મિક સંગઠનો વચ્ચે ઘર્ષણ
UCC મુદ્દે માત્ર રસ્તા પર જ નહીં પણ રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
જમાત-એ-ઇસ્લામી હિન્દ: સંગઠને વિરોધ નોંધાવતા કહ્યું કે, 21મા લો કમિશનના સર્વે બાદ પણ આ રીતે કાયદો લાવવો હિતાવહ નથી.
મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી: બીજી તરફ હિન્દુ સંતોએ UCC નું સમર્થન કર્યું છે. અખિલેશ્વર દાસજીએ સવાલ કર્યો કે, “જો એક દેશમાં એક સમાન કાયદો અમલી બનતો હોય, તો તેમાં કોઈને તકલીફ શેના માટે હોવી જોઈએ?”
24 માર્ચ પર સૌની નજર
ઉત્તરાખંડમાં UCC ના વિરોધના અભાવ વચ્ચે ગુજરાતમાં AIMIM દ્વારા જે રીતે આક્રમક વિરોધ શરૂ કરાયો છે, તે જોતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. હવે સૌની નજર 24 માર્ચના રોજ વિધાનસભામાં રજૂ થનારા બિલ પર છે.
(ઈનપુટ ક્રેડિટ: હરિન માત્રાવાડિયા)