પહેલા જ વરસાદમાં ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો- જુઓ Video

ભાવનગરના કેટલાક તાલુકાઓમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અતિ ભારે વરસાદ એકસામટો ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને પગલે બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે તૂટી જતા હાલાકી સર્જાઈ છે.

| Edited By: | Updated on: Jun 16, 2025 | 9:58 PM

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. ભાવનગર પંથકમાં પહેલા જ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના બુઢણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. આભ ફાટ્યું હોય તેમ પાણીનો પ્રચંડ પ્રવાહ સામે કોઝવે તણાઈ ગયો છે. ચોમાસાની શરૂઆતના પહેલા દિવસે જ આ પ્રકારના ભયાવહ દ્રશ્યો સામે આવતા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના લોકો ચિંતામાં મુકાઈ ગયા. તેઓને વિચારો આવવા લાગ્યા કે ચોમાસાની શરૂઆત આવી છે તો આખું ચોમાસું કેટલા તોફાની અંદાજમાં નીકળશે.શિહોરમાં ધોધમાર વરસાદના કારણે પાલીતાણાનો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ તો થયો જ પરંતું પાણીનો પ્રચંડ પ્રવાહ તેને તાણી પણ ગયો. શિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આ કોઝવે તણાતા વાહનચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ તરફ બગદાણામાં પણ અત્યંત ખૌફનાક અંદાજમાં ચોમાસાનો પ્રથમ વરસાદ ખાબક્યો. બગદાણાની બગડ નદી ગાંડીતૂર થતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે.નદીનું આ તોફાની પાણી દુદાણા ગામમાં ઘૂસી ગયું હતું. જળબંબાકાર થતા જનજીવનને ભારે અસર થઇ છે. પ્રથમ વરસાદમાં જ બગડ નદી ભયજનક સ્તરે વહેતી જોવા મળતા ગામ લોકોમાં ભારે ભયનો માહોલ છે. વરસાદના કારણે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.

ભાવનગરમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઓથા ગામની ડોંગી નદી ગાંડીતુર બની છે. તમે અંદાજો લગાવી શકો છો કે કયા અંદાજમાં મેઘરાજાએ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. શરૂઆતમાં જ આ પ્રકારે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થતા નદી આસપાસના વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતુ. બગદાણા પંથકમાં વરસાદ વરસતા ઓથા ગામની નદી ઘોડાપુરની સ્થિતિ ઉભી થઈ છે. ઓથા ગામમાં સતત વરસાદના પગલે ગામની પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. ગામની બજારમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.

અમરેલીમાં જોવા મળ્યુ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, પૂરના ધસમસતા પાણીમાં તણાયા 25 ઘેટા- જુઓ Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો