હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ અમદાવાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. ખેડૂતોએ પોતાના પાકને લઈને સાવધાન રહેવુ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહે તેવી આગાહી કરી છે.