Breaking News: ભાજપ નેતાની ‘ગૌ-ભક્તિ’ ઉઘાડી પડી… ગૌશાળાના કરોડોના વહીવટમાં ગોટાળાનો પર્દાફાશ – જુઓ Video
બનાસકાંઠાના વાવ તાલુકામાં ગૌશાળાના નામે મોટી ઉચાપતનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે. માવસરી ગામની ધરણીધર ગૌશાળાના વહીવટમાં 1.24 કરોડના ગોટાળાના આક્ષેપ સાથે ભાજપના પૂર્વ પ્રમુખ ઘેરાયા છે.
બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી ગામમાં આવેલી ધરણીધર ગૌશાળાના વહીવટમાં મોટી ઉચાપતનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ગૌશાળાના હિસાબ મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જ્યાં ગૌશાળા અને ધાર્મિક સ્થળના પૂજારી વચ્ચે મળેલી બેઠકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ ઉચાપત કેસમાં માવસરી ગામના સરપંચના પતિ અને વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કુલ ₹1.24 કરોડના વહીવટી ગોટાળામાં તેમનું નામ આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બેઠકમાં થયેલા ખુલાસા બાદ, ભાજપ નેતા પ્રકાશ વ્યાસ વહીવટમાં થયેલા ગોટાળાના ₹71 લાખ પરત કરવા સંમત થયા છે. આ રકમ તેઓ બે હપ્તામાં ગૌશાળાના ખાતામાં જમા કરાવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ગૌશાળાના નાણાંની ઉચાપતને લઈને સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વાવ-થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે.