Breaking News : લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારની તૈયારી, હવે ભાગીને લગ્ન કરનારાઓ પર સરકાર કસશે લગામ
ગુજરાતમાં લગ્નના નિયમો બદલાશે! ભાગીને લગ્ન કરનારાઓ માટે મુશ્કેલી વધશે. જાણો નવા નિયમોમાં માતા-પિતાની સંમતિ અને 30 દિવસની નોટિસ વિશેની તમામ વિગતો
ગુજરાત સરકાર આજે લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. રાજ્યમાં ભાગીને લગ્ન કરવાના વધતા કિસ્સાઓ અને તેના કારણે પરિવારોમાં સર્જાતી સામાજિક વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી (DyCM) આજે વિધાનસભા ગૃહમાં નિયમ 44 હેઠળ આ મહત્વપૂર્ણ જાહેરાત કરશે. આ નવા ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ‘લવ જેહાદ’ અને પરિવારની જાણ બહાર થતા લગ્નો પર અંકુશ લાવવાનો છે.
વર્તમાન નિયમો અને પડકારો
અત્યાર સુધીના નિયમો મુજબ, કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષથી વધુ હોય, જન્મના પુરાવા હોય, આધારકાર્ડ અને ત્રણ સાક્ષીઓ હાજર હોય તો લગ્ન નોંધણી આસાનીથી થઈ જતી હતી. આ પ્રક્રિયામાં ઘણીવાર યુવક-યુવતીઓ પોતાના પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરી લેતા હતા, જેના કારણે સામાજિક પ્રશ્નો ઊભા થતા હતા. છેલ્લા કેટલાક સમયથી એવી માંગણી ઉઠી હતી કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી પણ બે પરિવારોનું જોડાણ છે, તેથી તેમાં વાલીઓની સંમતિ હોવી જોઈએ.
શું હોઈ શકે છે નવા કડક નિયમો?
નવી જાહેરાત મુજબ, હવે લગ્ન નોંધણી માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ યુગલ લગ્ન કરવા માંગતું હોય, તો રજિસ્ટ્રાર દ્વારા તેમના માતા-પિતાને સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર વાલીઓએ જવાબ આપવો પડશે. આ પ્રક્રિયાથી ભાગીને લગ્ન કરવાની વૃત્તિ પર મોટી રોક લાગવાની સંભાવના છે.
આ નિર્ણય માત્ર કાયદાકીય ફેરફાર નથી પરંતુ એક સામાજિક સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે માતા-પિતાની સહમતીથી લગ્ન સંસ્થા વધુ મજબૂત બનશે અને યુવા પેઢી ગેરમાર્ગે દોરાતી અટકશે.
Input : Kinjal Mishra, Gandhinagar