પાક નુકસાની સરવે પર ગુજરાત કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પાક નુકસાનીના સરવેની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનો દાવો કરી તેના પુરાવા રજૂ કરતા ખળભળાટ મચ્યો છે. પાલ આંબલિયાએ જણાવ્યું કે ખરેખર નુકસાની થઈ છે તેવા ખેડૂતો સહાયની યાદીમાંથી બાકાત છે અને ભાજપના મળતીયાઓને ખેતરમાં પાક ન હોવા છતાં સહાયની યાદીમાં સામેલ કરાયા છે.
આ સાથે પાલ આંબલિયાએ જસદણના આટકોટ ગામના ખેડૂતોના ખેતરના વીડિયો કૃષિ પ્રધાનને મોકલી પાક નુકસાનીના સરવેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ કૃષિ પ્રધાન પર પણ આકરા પ્રહાર કર્યા છે. તેમને જણાવ્યું છે કે કિસાન કોંગ્રેસ માત્ર વિરોધ નહીં, સરકારની આંખ ખોલવાનું કામ કરે છે. કિસાન કોંગ્રેસ માત્ર ટીકાઓ નહીં, યોજનાના અમલીકરણ બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરે છે.
તો આ તરફ પાલ આંબલિયાએ જે ખેડૂતોના વીડિયો મોકલ્યા હતા તે પણ મીડિયા સમક્ષ આવ્યા છે. જસદણના આટકોટ ગામના ખેડૂતોને નુકસાન થયુ હોવા છતા સહાયની યાદીમાંથી નામ બાકાત થતા રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
આ વાતને લઈ ભાજપે ગુજરાત કિસાન કોંગ્રેસના તમામ દાવાઓને ફગાવી દીધા છે. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક નેતા ખોટા દાવાઓ કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેમને ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે. તેમને જણાવ્યું છે કે સરકાર માટે દરેક ખેડૂત સમાન છે. સરકારની ખેડૂતોને વધારે આપવાની મંશા હતી એટલે જ પોતાના કોષમાંથી વધારે ફંડ આપ્યું છે. તથા નિયમિત સરવે કરી ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પૈસા આપવાનું પણ નક્કી કરાયું છે.
ગુજરાત સહિત રાજકોટ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો