જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાન મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમ્યાન હાઈકોર્ટે પાલતુ શ્વાન પાળવા મુદ્દે મહત્વની ટકોર કરી. હાઈકોર્ટે સવાલ કર્યો કે શું તમને માણસોના જીવની ચિંતા નથી? જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ. હાઈકોર્ટે જણાવ્યું કે તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો એ જ ડોગ બીજાને કરડે છે. જો શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો. શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓની માથાકૂટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી.
હાઈકોર્ટે અગાઉ પણ શહેરના જાહેર માર્ગો પર ઉપરથી રખડતા પશુઓને પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આમ છતા વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓએ જીવલેણ હુમલો કર્યા બાદ કેટલાક લોકોને તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. નવ મહિનામાં મ્યુનિસિપલ તંત્રને રખડતા શ્વાનની 4593 અને રખડતા પશુ અંગે 2885 ફરિયાદ મળી હતી. જેની સામે તંત્રેએ 14,412 રખડતા ઢોર પકડ્યા હતા. આ મુદ્દે વિવિધ પોલીસ સ્ટેશનમાં 675 FIR કરવાની સાથે 1248 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામા આવી હતી. આ તરફ સુરતમાં રસ્તા પર રખડતા શ્વાને બાળકી પર હુમલો કરતા ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
એપ્રિલ-2022થી ડીસેમ્બર-2022 સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકા તંત્રના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા 14,412 પશુ પકડવામાં આવ્યા હતા. પરંતુ પકડાયેલા પશુઓ પૈકી પશુપાલકોએ માત્ર 1,432 પશુઓ જ છોડાવ્યા હતા. જે કુલ પકડાયેલા પશુઓના માંડ 10 ટકા જેટલા છે. તંત્ર દ્વારા કુલ 74 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. રખડતા શ્વાનની વાત કરીએ તો છેલ્લા 9 મહિનામા તંત્ર તરફથી નિયત કરવામા આવેલી સંસ્થાઓ દ્વારા 34,249 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.
Published On - 7:59 pm, Mon, 9 January 23