ગુજરાત સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરાશે

|

Aug 12, 2024 | 8:01 PM

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે.

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓની પાણીની સમસ્યા નિવારવા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નર્મદા બંધમાં પાણીની આવક થતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવામાં આવશે. આ 4 જિલ્લાઓના કુલ 952 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે. હાલ પાઇપલાઇનો મારફતે 1 હજાર ક્યુસેક પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ 2400 ક્યુસેક પાણીથી આ 4 જિલ્લાના 952 તળાવો ભરવામાં આવશે.

ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની સતત આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્તમાન ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.88 મીટરે પહોચી છે. હાલમાં ઉપરવાસમાંથી 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Published On - 8:00 pm, Mon, 12 August 24

Next Video