તલાટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: મહેસૂલ અને પંચાયત તલાટીની કામગીરીની સ્પષ્ટ વહેંચણી, જાહેર થયો સંયુક્ત GR
રાજ્ય સરકારે મહેસૂલ તલાટી અને તલાટી-કમ-મંત્રીની જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરી છે. તલાટી-કમ-મંત્રીને 70 અને મહેસૂલ તલાટીને 45 પ્રકારની કામગીરી સોંપાઈ છે.
રાજ્ય સરકારે વહીવટી સરળતા માટે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલ તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરતો સંયુક્ત GR બહાર પાડ્યો છે. નવા નિયમો મુજબ તલાટી-કમ-મંત્રીને 70 પ્રકારની જવાબદારીઓ સોંપાઈ છે. જેમાં જન્મ-મરણ અને લગ્ન નોંધણી, આવક-જાતિના દાખલા, પંચાયત હિસાબો, નાણાપંચની ગ્રાન્ટ, સરકારી યોજનાઓનું અમલીકરણ તેમજ પાણી પુરવઠો, સ્વચ્છતા, પ્રાથમિક શિક્ષણ, ગૌચર અને ગામતળ પ્લોટ જેવી પંચાયત સેવાઓ સામેલ છે.
બીજી તરફ, મહેસૂલ તલાટીને 45 પ્રકારની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં જમીન મહેસૂલ વસૂલાત, જમીન રેકોર્ડની જાળવણી, અશાંત ધારા અને મહેસૂલ અધિનિયમ મુજબની કાર્યવાહી, પાક કાપણી પ્રયોગો, કૃષિ સર્વે, જમીન પરના દબાણોની માહિતી અને પીએમ-સ્વામિત્વ યોજનાની તમામ કામગીરીનો સમાવેશ થાય છે.
બંને તલાટીઓએ પરસ્પર સંકલન જાળવીને ગ્રામજનોને તમામ સેવાઓ ઝડપથી અને પારદર્શક રીતે પૂરી પાડવાની રહેશે.
